- ITR ફાઇલ કરવાની આખરી તારીખ હંમેશા 31 જુલાઇ જ રાખવામાં આવેલી છે
- CBDTએ રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત લંબાવવાનો કોઇ જ નિર્ણય કર્યો નથી
- અંતિમ તારીખ પછી ITR ફાઇલ કરવા માટે રૂ. 5,000ની લેટ ફી કે પેનલ્ટી લાગશે
કરદાતાઓ માટે દર વર્ષે તેમનું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની આખરી તારીખ હંમેશા 31 જુલાઇ જ રાખવામાં આવેલી છે. ભૂતકાળમાં જૂજ પ્રસંગોએ અને તે પણ અસામાન્ય સંજોગોમાં જ આ તારીખ લંબાવવામાં આવેલી. આ વર્ષે પણ હજુસુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ(CBDT)એ રિટર્ન ફાઇલ કરવાની મુદ્દતલંબાવવાનો કોઇ જ નિર્ણય કર્યો નથી. આ અંગે પ્રસિદ્ધ થયેલા સમાચાર ક્ષતિયુક્ત હતા. સીબીડીટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે એવા કોઇ જ સંજોગો સર્જાયા નથી જેના પરિણામે આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત લંબાવવી પડે. વર્તમાન સ્થિતિએ દરેક કરદાતાએ 31મી જુલાઇ સુધીમાં પોતાના રિટર્ન ફાઇલ કરવા પડશે.
ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ ખૂબ જ નજીક છે
ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ ખૂબ જ નજીક છે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 23-24 (આકારણી વર્ષ 2024-25) માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 નક્કી કરી છે. જો તમે આ સમયગાળામાં રિટર્ન ફાઇલ નહીં કરો તો તમને પેનલ્ટી લાગી શકે છે.
અંતિમ તારીખ પછી ITR ફાઇલ કરવા માટે રૂ. 5,000ની લેટ ફી કે પેનલ્ટી લાગશે
નાણાકીય વર્ષ 2022-23 માટે 31 જુલાઈ 2023 સુધીમાં કુલ 6.91 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. 31 માર્ચ 2024 સુધીમાં આ સંખ્યા વધીને 8.62 કરોડ થઈ ગઈ. આ વર્ષે, પ્રથમ વખત, ટેક્સ વિભાગે કરદાતાઓને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપી હતી.
5.74 લાખ કરોડનું ટેક્સ કલેક્શન
ગયા અઠવાડિયે, IT વિભાગે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 19.54%ની વૃદ્ધિ નોંધવામાં આવી છે. તે 11 જુલાઈ સુધી 5.74 લાખ કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2024 ના સમાન સમયગાળામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 4.80 લાખ કરોડ હતું.
70,902 કરોડનું રિફંડ જાહેર કર્યું
ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2024-2025માં 70,902 કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-24માં તે 43,105 કરોડ રૂપિયા હતી. એટલે કે રિફંડમાં 64.49%નો વધારો નોંધવામાં આવ્યો છે. અંતિમ તારીખ પછી ITR ફાઇલ કરવા માટે રૂ. 5,000ની લેટ ફી કે પેનલ્ટી લાગશે.
સમયમર્યાદા પહેલા ITR ફાઇલ કરવાના ફાયદા
તમને પહેલા ITR રિફંડ મળશે.ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટે સમય ઉપલબ્ધ રહેશે. તમને તમારી ભૂલ સુધારવાની તક મળે છે. આવકવેરા વિભાગ તરફથી કોઈ નોટિસ આવશે નહીં.
પેનલ્ટીથી બચી શકાશે
જો તમે નિર્ધારિત તારીખમાં ITR ફાઈલ ન કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. વ્યક્તિગત રીતે કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેણે 5,000 રૂપિયાની લેટ ફી કે પેનલ્ટી ચૂકવવી પડશે. એ જ રીતે જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેણે લેટ ફી કે પેનલ્ટી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. સમયસર ITR ફાઇલ કરીને આ દંડ ટાળી શકાય છે.