- સમગ્ર દેશમાં લોકોને થઇ રહી છે UPI ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા
- ઘણા યુઝર્સને એપ પર બેંકનું સર્વર ડાઉન હોવાનો મેસેજ મળી રહ્યો છે
- UPI ટ્રાન્ઝેક્શનમાં સમસ્યાએ લોકોની ચિંતા વધારી દીધી
સમગ્ર દેશમાં લોકોને UPI ટ્રાન્ઝેક્શનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારી અનુસાર, Google Pay, PhonePe, BHIM અને Paytm જેવી એપ દ્વારા યુઝર્સની UPI પેમેન્ટ ફેલ થઈ ગઈ. આ સમસ્યા ઘણા સમયથી યથાવત છે.
જો કે કેટલીક બેંકોમાં ચૂકવણી શરૂ થઈ ગઈ છે, પરંતુ કેટલીક બેંકોમાં આ સમસ્યા હજુ પણ યથાવત છે. મળતી માહિતી મુજબ SBI, HDFC, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિતની વિવિધ બેંકો UPI ટ્રાન્ઝેક્શનમાં સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં તમે રોકડ પણ સાથે રાખો તો સારું રહેશે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોતાની ફરિયાદ નોંધાવી છે.
શા માટે ઊભી થઈ આ સમસ્યા?
મળતી માહિતી મુજબ બેંકોના સર્વરમાં સમસ્યા છે. ઘણી બેંકોના સર્વર પણ ડાઉન છે. જોકે, બેન્કો અને NPCI આ મુદ્દે સહમત થયા નથી. અહેવાલો સૂચવે છે કે UPI આઉટેજમાંથી પસાર થઈ રહ્યું છે. જો કે, તેના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
કેવો મેસેજ આવે છે?
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ઘણા યુઝર્સને એપ પર બેંકનું સર્વર ડાઉન હોવાનો મેસેજ મળી રહ્યો છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે પેમેન્ટ નિષ્ફળ થઇ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ તેની સેવાઓ પર 29 ફેબ્રુઆરી પછી લાગુ થશે. આવી સ્થિતિમાં UPI ટ્રાન્ઝેક્શનમાં સમસ્યાએ લોકોની ચિંતા વધારી દીધી છે. જોકે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ટ્વિટર પર પોસ્ટ કરીને આ બાબતે સત્તાવાર નિવેદન જારી કર્યું છે.
NPCIએ પ્રતિક્રિયા આપી
NPCIએ લખ્યું- UPI કનેક્ટિવિટી પર અસુવિધા બદલ માફ કરશો. કેટલીક બેંકોમાં આંતરિક તકનીકી સમસ્યાઓ છે. જો કે, NPCI સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. અમે આ બેંકો સાથે પ્રોમ્પ્ટ રિઝોલ્યુશન માટે કામ કરી રહ્યા છીએ. HDFC બેંકે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. HDFCએ કહ્યું- કેટલીક મલ્ટી-બેંક સિસ્ટમ સમસ્યાઓના કારણે, અમને UPI પર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અમે હવે અમારી કામગીરી પર પાછા ફર્યા છીએ. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.
UPIના 250 મિલિયન યુઝર્સ
માહિતી અનુસાર, ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPIના 250 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. તે દર વર્ષે વધી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં 1000 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા. ભારતમાં 60 ટકાથી વધુ છૂટક વ્યવહારો UPI દ્વારા થાય છે. જાણકારી અનુસાર લગભગ 350 બેંકો UPI દ્વારા પેમેન્ટ સ્વીકારે છે.