ટીમ ઈન્ડિયા જુલાઈમાં 5 મેચની T20 સિરીઝ અને 3 મેચની ODI સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. T20 સિરીઝ 1 જુલાઈથી શરૂ થશે, જેના માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની ટીમની જાહેરાત કરી છે. ECBએ આ સિરીઝ માટે 17 ખેલાડીઓની પસંદગી કરી છે.
આ ટીમમાં સસેક્સના ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સને પહેલીવાર સિનિયર ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તે જમણા હાથે બેટિંગ કરે છે અને લેફ્ટ હાથે સ્પિન બોલિંગ કરે છે. આ આખી ટીમમાં જેમ્સ કોલ્સ એકમાત્ર ખેલાડી છે જેને અત્યાર સુધી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી.
T20 સિરીઝ માટે ઘણા અનુભવી ખેલાડીઓને તક મળી છે
ભારત સામેની સિરીઝ માટે હેરી બ્રુક કેપ્ટન રહેશે. કેટલાક ખેલાડીઓ પણ ટીમમાં પરત ફર્યા છે. જોર્ડન કોક્સ, સની બેકર અને સાકિબ મહમૂદ, જેમને T20 વર્લ્ડકપ 2026 ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા, તેમને પાછા બોલાવવામાં આવ્યા છે.
બ્રાયડન કાર્સ અને જેમી ઓવરટન ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ ન હતા. ટીમમાં જોસ બટલર, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને ફિલ સોલ્ટ જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેકબ બેથેલ અને રેહાન અહેમદ જેવા યુવા ખેલાડીઓનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમ્સ કોલ્સ અત્યાર સુધી પ્રદર્શન કેવું રહ્યું?
21 વર્ષના જેમ્સ કોલ્સે તેના T20 કરિયરની 61 ઈનિંગમાં 28.60ની એવરેજ અને 146.37ના સ્ટ્રાઈક રેટથી 1373 રન બનાવ્યા છે, જેમાં 7 અડધી સદીનો સમાવેશ થાય છે. કોલ્સ સસેક્સ કાઉન્ટી માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી પણ છે, તેને માત્ર 16 વર્ષ અને 157 દિવસની ઉંમરે પોતાની પહેલી મેચ રમી હતી. તેને બોલ સાથે પણ સારું પ્રદર્શન કર્યું છે, તેને 8.27ના ઈકોનોમી રેટ અને 26.97 ની એવરેજથી 53 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેને 3 વખત મેચમાં 4 વિકેટ પણ લીધી છે.
ભારત સામેની T20 સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ
હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, જેમ્સ કોલ્સ, જોર્ડન કોક્સ, સેમ કરન, લિયામ ડોસન, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટંગ, લ્યુક વુડ
IND Vs ENG T20 સિરીઝનું શેડ્યૂલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝ 1 જુલાઈથી ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં શરૂ થશે. બીજી T20I 4 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે, ત્યારબાદ ત્રીજી મેચ 7 જુલાઈએ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. છેલ્લી 2 T20I મેચ 9 અને 11 જુલાઈએ બ્રિસ્ટોલ અને સાઉધમ્પ્ટનમાં રમાશે. આ T20I સિરીઝના સમાપન પછી બંને ટીમો 3 મેચની ODI સિરીઝ પણ રમશે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા