BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાનારી 5 મેચની T20I સિરીઝ માટે ટીમોની જાહેરાત કરી દીધી હતી, પરંતુ 3 મેચની વનડે સિરીઝ માટે ટીમોની જાહેરાત કરવામાં આવી ન હતી. આ પાછળ કેટલાક મુખ્ય ખેલાડીઓની ફિટનેસ એક મુખ્ય કારણ હતું.
હવે ભારતીય ટીમને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે, જેને અફઘાનિસ્તાન સિરીઝ માટે વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ કમરના દુખાવાના કારણે તેને પાછો ખેંચવાની ફરજ પડી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેની વાપસીની આશા હતી, પરંતુ હવે ટીમની પસંદગી થાય તે પહેલાં જ એક નવી ઈજાએ તેને બહાર કરી દીધો છે.
હાર્દિક હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થયો
બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે વનડે ટીમ પસંદ કરતા પહેલા હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી માટે ફિટનેસ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો. બંનેને 22 જૂને CoE સમક્ષ પોતાની ફિટનેસ સાબિત કરવાની હતી, પરંતુ તે પહેલાં હાર્દિક અનફિટ થઈ ગયો. સમાચાર એજન્સી ANI મુજબ હાર્દિક પંડ્યા પહેલા કમરના દુખાવાથી પીડાતા હતા અને હવે હેમસ્ટ્રિંગના દુખાવાને કારણે ભારતીય ટીમમાં તેમની વાપસીમાં વિલંબ થયો છે.
મુંબઈ ઇન્ડિયન્સ સાથે IPL 2026 પૂર્ણ થયા પછી હાર્દિકે કમરના દુખાવા માટે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સને જાણ કરી હતી. ODI વર્લ્ડકપ 2027ને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાને મુખ્ય ખેલાડી માનવામાં આવે છે, તેથી તેને ટીમની બહાર રાખવો એક મોટા ઝટકાથી ઓછો નથી.
નીતિશ રેડ્ડીને પોતાને સાબિત કરવાની મળી શકે છે તક
હાર્દિક પંડ્યાના બહાર હોવાથી નીતિશ રેડ્ડી ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવી શકે છે. નીતિશ રેડ્ડી અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં 2 મેચ રમ્યો છે, જેમાં તે બોલ સાથે સારું પ્રદર્શન કરી શક્યો નથી. આમ કેપ્ટનને પ્લેઈંગ 11 માં તેના પર બહુ વિશ્વાસ હોય તેવું લાગતું નથી.
ભારતીય ટીમ 1 જુલાઈથી ઈંગ્લેન્ડના પ્રવાસ પર 5 મેચની T20 સિરીઝ રમશે, ત્યારબાદ 14 જુલાઈથી યજમાન ટીમ સામે 3 મેચની ODI સિરીઝ રમશે, જે સૌથી વધુ જોવામાં આવતી મેચ છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા