ભારતીય A ટીમ બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાના પ્રવાસે છે, જેની પહેલી મેચ 25 જૂનથી ગાલે સ્ટેડિયમ ખાતે શરૂ થઈ. ભારતીય ટીમે શાનદાર પ્રથમ ઈનિંગનું પ્રદર્શન કર્યું, બીજા દિવસે 452 રન પર પોતાની ઈનિંગ જાહેર કરી.
યજમાન શ્રીલંકા A ટીમ ત્રીજા દિવસના અંતિમ સેશનમાં 330 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેનાથી ભારતને મજબૂત પકડ મળી. ભારતનું બોલિંગ પ્રદર્શન શાનદાર હતું, જેમાં ઝડપી બોલર આકિબ નબીએ માત્ર 58 રન આપીને 4 વિકેટ લીધી.
શ્રીલંકાની ઈનિંગને ઓલઆઉટ કરવામાં આકિબ નબીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
શ્રીલંકા A ટીમની પ્રથમ ઈનિંગને ઓલઆઉટ કરવામાં ભારતીય A ફાસ્ટ બોલર આકિબ નબીનો મહત્વનો ફાળો રહ્યો હતો. ત્રીજા દિવસની રમત પહેલા શ્રીલંકા A ટીમે 268 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ અંજલા બંદારા અને રવિન્દુ ફર્નાન્ડો વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 32 રનની પાર્ટનરશીપે તેમનો સ્કોર 300 સુધી પહોંચાડ્યો.
આકિબ નબીએ આ ખતરનાક પાર્ટનરશીપ તોડી, અને પછી શ્રીલંકા A ટીમના બેટ્સમેનોને લાંબા સમય સુધી મેદાન પર ટકી રહેવાથી રોક્યા. આકિબે 19.4 ઓવર બોલિંગ કરી, 58 રન આપ્યા, જ્યારે 4 વિકેટ લીધી. યશ ઠાકુર અને હર્ષ દુબેએ 2-2 વિકેટ લીધી, જ્યારે અંશુલ કંબોજ અને સારાંશ જૈને પણ 1-1 વિકેટ લીધી. શ્રીલંકા A ટીમ માટે નવીન્દુ ફર્નાન્ડોએ પ્રથમ ઈનિંગમાં 84 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન સહાન અરાગચીએ 72 રન અને અસેન બંદારાએ 70 રન બનાવ્યા.
સાઈ સુદર્શનની ઈજાએ ટીમ ઈન્ડિયાનું વધાર્યું ટેન્શન
ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય A ટીમે તેમની બીજી ઈનિંગમાં 17 ઓવર સુધી બેટિંગ કરી હતી અને કોઈ નુકસાન વિના 48 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા પાસે હવે 170 રનની લીડ છે, પરંતુ સાઈ સુદર્શનની ઈજાએ ચોક્કસપણે ચિંતા વધારી છે. આયુષ પાંડે સાથે ઓપનિંગ કરતા સાઈ સુદર્શન 7 રને રિટાયર્ડ હર્ટ થયો. રમતના અંતે આયુષ પાંડે અને દેવદત્ત પડિકલ 20-20 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા