ધર્મશાલામાં રમાયેલી પહેલી વનડેમાં અફઘાનિસ્તાનની ઈનિંગ 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, પરંતુ રહેમાનુલ્લાહ ગુરબાઝ જ્યારે ક્રીઝ પર હતો ત્યારે એવું લાગતું હતું કે સ્કોર 230-240 સુધી પહોંચી શકે છે. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને તેમને 26 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, છતાં તેને 48 બોલમાં સદી ફટકારી હતી.
રહેમાનુલ્લાહ ગુરબાઝના આઉટ થયા પછી ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી અને મુલાકાતી ટીમને 194 રનમાં ઓલઆઉટ કરી દીધી. ડેબ્યુ કરનારા હર્ષ દુબે અને ગુરનુર બ્રારે 3-3 વિકેટ લીધી.
વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ
વરસાદને કારણે મેચ 4 કલાક અને 15 મિનિટ મોડી શરૂ થઈ. શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી, ડેબ્યુ કરનાર ગુરનુર બ્રારે તેની પહેલી ઓવરમાં અને ઈનિંગની બીજી ઓવરમાં ઈબ્રાહિમ ઝદરાનને 1 રનના સ્કોર પર આઉટ કર્યો.
ત્રીજા ક્રમના બેટ્સમેન સેદીકુલ્લાહ અટલને 0 ના સ્કોર પર અર્શદીપ સિંહ દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો. ચોથા ક્રમના બેટ્સમેન રહેમત શાહ ઝુરમાતેને 3 રનના સ્કોર પર અર્શદીપ સિંહ દ્વારા સસ્તામાં આઉટ કરવામાં આવ્યો. અફઘાનિસ્તાને 26 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી.
રહેમાનુલ્લાહ ગુરબાઝની રેકોર્ડ સદી
વિકેટકીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર 102 રન બનાવીને ઈતિહાસ રચ્યો, અને અફઘાનિસ્તાન માટે વનડે સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. તેને 48 બોલમાં પોતાની સદી પૂરી કરી, જેનાથી તે સૌથી ઝડપી વનડે સદીના લિસ્ટમાં 14મા ક્રમે આવી ગયો. તેની ઈનિંગનો અંત નીતિશ કુમાર રેડ્ડીએ કર્યો, જેને 16મી ઓવરના ત્રીજા બોલથી ગુરબાઝને બોલ્ડ કર્યો.
રોહિતે આ મેચ 39 વર્ષ અને 44 દિવસની ઉંમરે રમી
જ્યારે રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝની પહેલી મેચ રમવા માટે મેદાન પર આવ્યો ત્યારે તેની ઉંમર 39 વર્ષ અને 44 દિવસ હતી. આ સાથે તે હવે ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે, તેને મોહિન્દર અમરનાથના 39 વર્ષ અને 36 દિવસના રેકોર્ડને તોડી નાખ્યો છે.
રોહિત શર્મા લગભગ 5 મહિના પછી ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો છે, તેથી દરેક વ્યક્તિ તેના બેટથી પ્રદર્શન પર નજર રાખશે કારણ કે આ સિરીઝ સાથે, ઓક્ટોબર 2027 માં શરૂ થનારા ODI વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા