બુધવારે 17 જૂનના રોજ ટ્રાય સિરીઝની પાંચમી મેચમાં ભારત A એ અફઘાનિસ્તાન A ને 101 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, ભારત A એ 50 ઓવરમાં 9 વિકેટે 319 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 36.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝની ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી.
તિલક વર્માની શાનદાર ઈનિંગ
પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા A ના કેપ્ટન તિલક વર્માએ 75 બોલમાં 5 ચોગ્ગા સાથે સૌથી વધુ 59 રન બનાવ્યા. પ્રિયાંશ આર્ય અને કુમાર કુશાગ્રે પણ 58-58 રન બનાવ્યા. સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી મોટી ઈનિંગ રમી શક્યો નહીં. વૈભવે 28 બોલમાં 38 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
વૈભવે સિરીઝમાં અત્યાર સુધી 1 પણ ફિફ્ટી ફટકારી નથી. 4 મેચમાં તેને અનુક્રમે 14, 44, 21 અને 38 રન બનાવ્યા છે. તે ચાર મેચમાં તે ફક્ત 117 રન જ બનાવી શક્યો છે.
ચેઝમાં અફઘાનિસ્તાન-A નું ખરાબ પ્રદર્શન
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન A ટીમ બિનઅસરકારક દેખાઈ. ટીમ તરફથી બહિર શાહે સૌથી વધુ 52 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. 4 બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં, અને જે બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા તેઓ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયા.
આ દરમિયાન ભારત તરફથી નિશાંત સિંધુએ સૌથી વધુ 4 વિકેટ લીધી. યશ ઠાકુરે પણ 2 વિકેટ લીધી. અનુકુલ રોય, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ અને અંશુલ કંબોજે દરેકે 1 વિકેટ લીધી.
ભારત A ની ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત
આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ટીમના 4 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +0.797 છે. બીજા નંબરે રહેલા શ્રીલંકાના પણ 4 પોઈન્ટ છે, પરંતુ ઓછા નેટ રન રેટને કારણે તે ભારત કરતા નીચે છે. અફઘાનિસ્તાન 2 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. ટીમ ઈન્ડિયાએ ચારેય લીગ મેચ રમી છે.
શ્રીલંકા અને અફઘાનિસ્તાન 3-3 મેચ રમી ચૂક્યા છે. તેઓ એકબીજા સામે પોતાની અંતિમ મેચ રમશે. જો શ્રીલંકા આ મેચ જીતે છે, તો ફાઈનલ ભારત A અને શ્રીલંકા A વચ્ચે થશે. જો અફઘાનિસ્તાન જીતે છે, તો ત્રણેય ટીમોના ચાર-ચાર પોઈન્ટ થશે. આ સ્થિતિમાં ટાઈટલ મેચ બેસ્ટ નેટ રન રેટ ધરાવતી ટોપની 2 ટીમો વચ્ચે રમાશે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા