મોહમ્મદ શમી ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે, પરંતુ તેમ છતાં તેની બોલિંગમાં કોઈ ફેરફાર થયો નથી. મોહમ્મદ શમી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હવે તેને બંગાળ T20 લીગમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવી છે.


મોહમ્મદ શમીએ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં હેટ્રિક લેવાની મહાન સિદ્ધિ હાંસલ કરી છે. તેને બંગાળ T20 લીગ સીઝન 3 મેચમાં શ્રીચી રાધ ટાઈગર્સ સામે શાનદાર હેટ્રિક લીધી હતી. તેને સર્વોટેક સિલિગુડી સ્ટ્રાઈકર્સ તરફથી રમતી વખતે આ મહાન સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે મોહમ્મદ શમી બંગાળ T20 લીગ 2026 માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે. તમને જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટમાં આ તેની પહેલી મેચ હતી.

છેલ્લા 3 બોલમાં મચાવી ધૂમ

મોહમ્મદ શમીએ 16મી ઓવરના ચોથા બોલ પર શાહબાઝ અહેમદને અને પછી પાંચમા બોલ પર રોહિત કુમારને આઉટ કર્યા. તેને છઠ્ઠા અને અંતિમ બોલ પર દીપાંજન મુખર્જીને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી, જેનાથી સિલિગુડીને રાધ ટાઈગર્સ સામે 24 રનથી જીત મેળવવામાં મદદ મળી. મોહમ્મદ શમી સિવાય કરણ લાલે પણ 36 રન આપીને 3 વિકેટ લીધી.

પ્રથમ બેટિંગ કરતા સિલિગુડી સ્ટ્રાઈકર્સે વિશાલ ભાટીના 46 બોલમાં શાનદાર 86 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. તેને પોતાની ધમાકેદાર ઈનિંગમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. અંતે પ્રમોદ ચંદીલાના 16 બોલમાં અણનમ 36 રનની મદદથી ટીમ 200 રનને પાર કરી ગઈ. ટાર્ગેટનો પીછો કરતા શ્રાચી રાધ ટાઈગર્સ 20 ઓવરમાં 9 વિકેટે 184 રન જ બનાવી શક્યું. શુભમ ડે સિનિયરે 25 બોલમાં 48 રન બનાવ્યા, જ્યારે રાહુલ પ્રસાદે 26 બોલમાં 44 રન બનાવ્યા.

મોહમ્મદ શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે

તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયા માટે છેલ્લે રમ્યાને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેને છેલ્લે 9 માર્ચ, 2025ના રોજ દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. મોહમ્મદ શમી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાના કોલ-અપનો દરવાજો ખટખટાવી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેનું કમબેક થયું નથી.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: