ભારતમાં IPL 2026 સિઝન પૂરી થયા બાદ ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે ODI સીરિઝ રમી રહી છે. 13 જૂનથી શરૂ થતી ત્રણ મેચની ODI સિરીઝમાં રોહિત શર્મા પર તમામની નજર છે. રાહુલ દ્રવિડ અને ગાંગુલીને પછાડી રોહિત શર્મા ઇતિહાસ રચી શકે છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને તેમના ફેન્સ અને ક્રિકેટ જગતમાં હાલ એક જ મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના વનડે (ODI) વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે? આર.અશ્વિને આ બંને ક્રિકેટરના વર્લ્ડકપ રમવાને લઈને મોટો ખુલાસો કર્યો.
અશ્વિન, રોહિત-વિરાટનો અનુભવ વર્લ્ડકપ માટે શ્રેષ્ઠ
ભારતના અનુભવી સ્પિનર આર. અશ્વિને આ મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અશ્વિનના મતે, ભારતીય ટીમે આ બંને ખેલાડીઓના અનુભવનો લાભ ઉઠાવવો જ જોઈએ. એક ખાસ શોમાં વાત કરતી વખતે આર. અશ્વિને આ સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવી હતી. તેમણે જણાવ્યું: "જો ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો ઈચ્છતા હોય કે આ બંને ખેલાડીઓ દક્ષિણ આફ્રિકામાં રમે, અને જો ખેલાડીઓમાં પૂરતી ઉર્જા હોય, તો તેમના અનુભવનો ઉપયોગ કરી શકશો. પરંતુ તેમની ક્ષમતા પર શંકા કરાશે તો ખેલાડીઓ દબાણમાં આવી જશે. આ બાબત એક લગ્ન જેવી છે, જ્યાં બંને પક્ષે (મેનેજમેન્ટ અને ખેલાડીઓ) સમાન સહયોગ આપવો પડે છે."
ક્રિકેટરોની ફિટનેસને લઇને અશ્વિનનું નિવેદન
અશ્વિને સ્વીકાર્યું કે વધતી ઉંમર સાથે ક્રિકેટરો માટે ફિટનેસ જાળવી રાખવી સરળ નથી હોતી. 32 કે 35 વર્ષની ઉંમર પછી શરીર પહેલા જેવું નથી રહેતું, આ ઉંમરે ઇજાઓ થવી સામાન્ય છે. જો યોગ્ય મેડિકલ અને ફિટનેસ પ્લાન તૈયાર કરવામાં આવે અને ટીમમાં સકારાત્મક વાતાવરણ હોય, તો ખેલાડીઓ ચોક્કસપણે અશક્યને પણ શક્ય કરી બતાવે છે. પરસ્પર તાલમેલ વધુ મહત્વનો છે. જ્યારે ખેલાડીઓ જોશે કે મેનેજમેન્ટ તેમના પર ભરોસો મૂકી રહ્યું છે, ત્યારે તેઓ પોતાની ફિટનેસ માટે બમણી મહેનત કરશે. 2027 સુધી પહોંચવા માટે બંને બાજુથી હકારાત્મક ઉર્જા ખૂબ જ જરૂરી છે.
રોહિત શર્મા બહારની પીચો પર શ્રેષ્ઠ
રોહિત શર્મા અંગે વાત કરતા અશ્વિને ખાસ નોંધ્યું કે, રોહિતના શાનદાર કરિયરમાં હજુ સુધી વનડે વર્લ્ડ કપની ટ્રોફી સામેલ નથી. "રોહિત શર્મા ચોક્કસપણે 2027ના વર્લ્ડ કપમાં જઈને દેશ માટે આ ટ્રોફી જીતવા માંગશે. તેણે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે અત્યાર સુધી ઘણું શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે તમે દક્ષિણ આફ્રિકા જેવી પિચો અને પરિસ્થિતિઓમાં વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા હોવ, ત્યારે વિરાટ અને રોહિત જેવા દિગ્ગજોનો અનુભવ ટીમ ઈન્ડિયાને અજેય અને મજબૂત બનાવે છે. આપણે તેમના અનુભવનો પૂરો લાભ લેવો જોઈએ.
વર્લ્ડકપમાં અનુભવ અને ક્ષમતા મહત્વની
દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આ મેગા ટૂર્નામેન્ટ સુધીમાં કેપ્ટન રોહિત શર્મા 40 વર્ષ વટાવી ચૂક્યા હશે, જ્યારે વિરાટ કોહલી પણ 39 વર્ષની નજીક હશે. વધતી ઉંમરને કારણે આ બંને દિગ્ગજો આ ટૂર્નામેન્ટ માટે યોગ્ય છે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન ભારતના અનુભવી સ્પિનર આર. અશ્વિને આ મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે આ દિગ્ગજોએ જરૂર વર્લ્ડકપ 2027 રમવો જોઈએ. તેમના અનુભવ અને ક્ષમતાનો ઉપયોગ મહત્વનો સાબિત થશે.
આ પણ વાંચો : Rohit Sharma :ગાંગુલી-દ્રવિડને પાછળ છોડશે રોહિત શર્મા, રચી શકે છે ઈતિહાસ