ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 12 જૂનથી શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટની પહેલી મેચ 14 જૂને પાકિસ્તાન સામે રમશે. બંને ટીમો આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે. 


દિપ્તી શર્મા ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20I મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે છે. તેને આવું કરવા માટે ફક્ત બે વિકેટની જરૂર છે.

દીપ્તિ શર્મા એકતા બિષ્ટ અને નિદા ડારને પાછળ છોડી શકે 

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મહિલા T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભારતની એકતા બિષ્ટ અને પાકિસ્તાનની નિદા ડારના નામે છે. આ બંને બોલરોએ અત્યાર સુધીમાં 10-10 વિકેટ લીધી છે. દીપ્તિ શર્માએ પાકિસ્તાન સામે અત્યાર સુધીમાં 9 વિકેટ લીધી છે. 

આવી સ્થિતિમાં જો તે રવિવારે રમાનારી મેચમાં 2 વિકેટ લે છે, તો તે બંને દેશો વચ્ચે રમાતી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની જશે. તેમના સિવાય પાકિસ્તાનની સના મીરે પણ 9 વિકેટ લીધી છે. પરંતુ તે હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકી છે.

વિમેન્સ T20માં પાકિસ્તાન સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

પાકિસ્તાન સામે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં પ્રિયંકા રોય એકતા બિષ્ટ અને દીપ્તિ શર્મા પછી ત્રીજા નંબરે છે. તેણે T20I માં પાકિસ્તાન સામે 8 વિકેટ લીધી હતી. અનુજા પાટિલ ચોથા નંબરે છે, જેણે પાકિસ્તાન સામે 7 વિકેટ લીધી હતી. પૂનમ ઠાકુર, રેણુકા સિંહ અને પૂજા વસ્ત્રાકર 5-5 વિકેટ સાથે સંયુક્ત રીતે પાંચમા નંબરે છે.

ટીમ ઈન્ડિયા જીત સાથે અભિયાનની શરૂઆત કરવા માગશે

T20 વર્લ્ડકપ 2026માં ભારત અને પાકિસ્તાન બંને માટે આ પહેલી મેચ છે. આ T20 વર્લ્ડ કપમાં બંને ટીમો પહેલી વાર એકબીજાનો સામનો કરશે, તેથી ભારતીય ટીમ આ મેચ જીતીને મજબૂત શરૂઆત કરવાનો લક્ષ્ય રાખશે. આ મોટા મેચમાં બંને ટીમો કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે. આ મેચમાં મોટાભાગની નજર ભારતીય કેમ્પ તરફથી સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર પર રહેશે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા


  • Follow us on: