જ્યારે પણ ભારતીય અને પાકિસ્તાની ટીમો ક્રિકેટના મેદાન પર એકબીજા સામે આવે છે, ત્યારે ઉત્સાહ આસમાને પહોંચી જાય છે. આવી જ એક હાઈ-વોલ્ટેજ મેચ આજે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યોજાવાની છે, જ્યાં ભારતીય ટીમ ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 ની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. 


આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. હરમનપ્રીત કૌર ખાતું ખોલતાની સાથે જ ઈતિહાસ રચશે. હકીકતમાં હરમનપ્રીતને વિમેન્સ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતની સૌથી સફળ બેટ્સમેન બનવા માટે ફક્ત 1 રનની જરૂર છે. હરમનપ્રીત પોતાનો પહેલો રન બનાવતાની સાથે જ, તે ભૂતપૂર્વ મહાન મિતાલી રાજને પાછળ છોડીને ટુર્નામેન્ટમાં ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે.

મિતાલી અને હરમનપ્રીત બરાબર છે

હાલમાં મિતાલી રાજ અને હરમનપ્રીત કૌર T20 વર્લ્ડકપમાં 726 રન સાથે બરાબર છે. મિતાલી રાજે 24 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે હરમનપ્રીતે 39 મેચમાં એટલા જ રન બનાવ્યા છે. આ લિસ્ટમાં સ્મૃતિ મંધાના 524 રન સાથે ત્રીજા નંબરે છે, અને જેમિમાહ રોડ્રિગ્સ 407 રન સાથે ચોથા નંબરે છે.

વિશ્વ રેકોર્ડની દોડમાં આગળ વધવાની તક

જો આપણે એકંદર રેકોર્ડની વાત કરીએ તો વિમેન્સ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ (1216 રન) ના નામે છે. હરમનપ્રીત કૌર (726 રન) હાલમાં આ લિસ્ટમાં સંયુક્ત 10મા સ્થાને છે. આજે 50 થી વધુ રનની ઈનિંગ રમીને તે ઈંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સ (768 રન) ને પાછળ છોડીને ટોપ-8 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. કેપ્ટન હરમનપ્રીત કૌર આજે મેદાનમાં ઉતરતાની સાથે જ તેના નામે બીજો એક અનોખો રેકોર્ડ બનાવશે. તે તમામ 10 વિમેન્સ T20 વર્લ્ડકપ સીઝનમાં રમનારી પ્રથમ ભારતીય ક્રિકેટર બનશે.

પાકિસ્તાન સામે હરમનપ્રીત કૌરનો રેકોર્ડ

હરમનપ્રીતે અત્યાર સુધીમાં 15 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેને 194 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવવાના મામલામાં ફક્ત મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના તેનાથી આગળ છે. ફેન્સને આશા છે કે હરમનપ્રીત આજે આ ઐતિહાસિક રેકોર્ડ તોડીને પોતાના કરિયરમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરશે, પરંતુ શાનદાર પ્રદર્શન સાથે ભારતને જીત તરફ પણ દોરી જશે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: