અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઓગણજ ગામમાં રેડ કરીને એમડી ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા પેડલરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


એમડી ડ્રગ્સ, ગાંજો અને રોકડ સહિત 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ગેરકાયદે નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેમાં પોલીસે 23.10 ગ્રામ એમડી ડ્રગ્સ અને 194.87 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી ડ્રગ્સના વેચાણના વ્યવહારો માટે વપરાતા મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ કબજે લેવાયા છે. પોલીસે ડ્રગ્સ, ગાંજો અને અન્ય સાહિત્ય મળીને કુલ રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડ્રગ્સ સપ્લાય ચેઇન નેટવર્ક તોડી પાડવા પોલીસની તપાસ તેજ

સોલા હાઇકોર્ટ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. આ નશાના નેટવર્કમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે, તેની સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: મોરૈયા ગામના સરપંચના પતિ અને પુત્ર પર 5થી વધુ શખ્સોનો સશસ્ત્ર હુમલો


  • Follow us on: