અમરેલી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી કરનારા તત્વો સામે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. લીલીયા તાલુકામાં ખાણ ખનિજ વિભાગની કથિત નિષ્ક્રિયતા અને આંખ આડા કાન કરવાની નીતિ વચ્ચે સ્થાનિક મામલતદારે જાતે એક્શન મોડમાં આવીને મોટી કાર્યવાહી કરી છે. લીલીયા પંથકમાં ગેરકાયદે રેતી ભરીને જતા બે ડમ્પરોને ઝડપી લઈને ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
ચોકડી પર વોચ ગોઠવીને કરાઈ કાર્યવાહી
મળતી માહિતી મુજબ, લીલીયાના મામલતદાર એસ.બી. વાડાને આ વિસ્તારમાં ગેરકાયદે રેતી વહન થતી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે તેમણે ટીમ સાથે લીલીયા-પુંજાપાદર-ભેંસવડી માર્ગની ચોકડી પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે ડમ્પરોને અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ બંને ડમ્પરોમાં કોઈપણ રોયલ્ટી પાસ કે કાયદેસરના આધાર-પુરાવા વિનાની રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું.
નંબર પ્લેટ વગર દોડતા હતા ડમ્પરો, 30 ટન રેતી જપ્ત
તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે ખનીજ માફિયાઓ કેવા પેંતરા રચે છે, તેનો ખુલાસો પણ થયો છે. પકડાયેલા બંને ડમ્પરો રોડ પર નંબર પ્લેટ વગર બેફામ સ્પીડે દોડી રહ્યા હતા. તંત્રએ કરેલી માપણી મુજબ એક ડમ્પરમાંથી 20 ટન ગેરકાયદે રેતી મળી આવી હતી. બીજા ડમ્પરમાંથી 10 ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો. મામલતદારની ટીમે રેતીના જથ્થા અને બંને ડમ્પરો સહિત કુલ રૂપિયા 9,21,500 નો મુદ્દામાલ સ્થળ પર જ જપ્ત કર્યો છે.
ખનીજ માફિયાઓમાં ફફડાટ
સ્થાનિક ખાણ ખનિજ વિભાગની રહેમનજર હેઠળ ચાલતા આ કાળા કારોબાર પર મામલતદારે અચાનક ત્રાટકીને સકંજો કસતા સમગ્ર જિલ્લાના રેતી ચોરો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મામલતદાર એસ. બી. વાડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, તાલુકામાં કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રહેશે.
આ પણ વાંચો - Amreli News: સાવરકુંડલાના જુનાસાવર ગામે 8 દિવસથી ગુમ ખેડૂતના હાડકા અને અવશેષો મળી આવ્યા