અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અને છેલ્લા આઠ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ખેડૂત દિલીપભાઈ દેસાઈના હાડકા અને શરીરના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે અને સમગ્ર મામલે વન વિભાગ તેમજ પોલીસ તંત્ર દોડતું થયું છે.
લોહીલુહાણ કપડાં અને ટ્રેક્ટર મળ્યા બાદ અવશેષો મળ્યા
આ કરુણ ઘટનાની વિગત એવી છે કે દિલીપભાઈ દેસાઈ છેલ્લા આઠ દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા. શોધખોળ દરમિયાન ગઈકાલે તેમના જ ખેતરમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ અને લોહીથી લથપથ કપડાં મળી આવ્યા હતા, જેનાથી કોઈ મોટી અણહોની થઈ હોવાની આશંકા દ્રઢ બની હતી. ગઈકાલથી જ વન વિભાગ અને પોલીસની ટીમો દ્વારા ઘટનાસ્થળે સઘન સ્કેનિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન જ ખેતરાડી વિસ્તારમાંથી ખેડૂતના હાડકા અને શરીરના અન્ય અવશેષો મળી આવ્યા હતા.













