વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે લેવાતી આંતરરાષ્ટ્રીય સ્તરની TOEFL ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ આચરવાનું એક અત્યંત હાઈટેક અને ચોંકાવનારું રેકેટ આણંદમાંથી ઝડપાયું છે. આણંદ સાયબર ક્રાઈમ પોલીસે બાતમીના આધારે આણંદ આર્ટ્સ કોલેજની બિલ્ડિંગમાં રેડ કરીને આ આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં થતા મોટા ભાંડાફોડનો પર્દાફાશ કર્યો છે. અહીં વિદેશ જવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી મોટી રકમ વસૂલીને તેમના બદલે ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કરાવવામાં આવતી હતી.
દિવાલમાં ગુપ્ત છિદ્ર અને સ્ક્રીન શેરિંગની અનોખી મોડસ ઓપરેન્ડી
સાયબર ક્રાઈમની તપાસમાં આ રેકેટની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. કોલેજ બિલ્ડિંગના બે રૂમ વચ્ચે આવેલી કોમન દિવાલમાં એક ગુપ્ત છિદ્ર કરવામાં આવ્યું હતું. આ છિદ્ર મારફતે હાઈટેક ટેક્નિકલ સાધનો અને વાયરો પસાર કરીને ઓનલાઈન પરીક્ષાનું સ્ક્રીન શેરિંગ ઓપરેટ કરવામાં આવતું હતું. મૂળ ઉમેદવાર પરીક્ષા રૂમમાં માત્ર કેમેરા સામે બેસી રહેતો હતો, જ્યારે બાજુના રૂમમાં બેઠેલો ડમી એક્સપર્ટ સ્ક્રીન શેરિંગ અને કીબોર્ડ-માઉસના સેટઅપ દ્વારા ઓનલાઈન પરીક્ષાના જવાબો આપતો હતો. આ રીતે પરિણામોમાં મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી.













