ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી લિવ-ઇન રિલેશનશિપને શર્મસાર કરતી એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકા પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ સમગ્ર હત્યાકાંડ પાછળ માત્ર 'મોબાઇલ ફોનનો ઉપયોગ' જેવી નજીવી બાબત જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.


મોબાઇલના ઉપયોગ મુદ્દે જામ્યો હતો વિવાદ

ઘટનાની મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને રેણુકા રાઠોડ છેલ્લા કેટલાક સમયથી લિવ-ઇન પાર્ટનર તરીકે સાથે રહેતા હતા. ઘટનાના દિવસે બંને વચ્ચે મોબાઇલ ફોનના ઉપયોગને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સામાં અંધ થયેલા પ્રેમી જગદીશે રેણુકા પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

સારવાર દરમિયાન પ્રેમિકાએ તોડ્યો દમ

આ હુમલામાં રેણુકા રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી ડોક્ટરોએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ રેણુકાએ દમ તોડી દીધો હતો. 

પોલીસની તાત્કાલિક કાર્યવાહી 

ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પ્રેમી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી લીધી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. નજીવી બાબતમાં થયેલા આ હત્યાકાંડે લિવ-ઇન સંબંધોના અંત અને વિકૃત માનસિકતા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Bharuch News: વાગરાના હરીનગરમાં સરકારી જમીન પર ચાલતું ખનન ઝડપાયું, 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત!


  • Follow us on: