ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કલોલમાં એક શાંત અને રહેણાંક વિસ્તારમાં ધમધમતા કુટણખાના પર સ્થાનિક લોકોએ પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આ જનતા રેડને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ પોલીસ સાથે મળી પાડ્યો દરોડો, 3 મહિલા ઝડપાઈ
મળતી માહિતી મુજબ, કલોલના એક રહેણાંક વિસ્તારમાં લાંબા સમયથી શંકાસ્પદ ગતિવિધિઓ ચાલી રહી હતી. જે અંગે સ્થાનિક રહીશોએ કલોલ શહેર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ જાગૃત નાગરિકોએ પોલીસ કાફલાને સાથે રાખીને સંબંધિત મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દેહ વ્યાપારના કાળા કારોબાર સાથે સંકળાયેલી ૩ મહિલાઓ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. જોકે, દરોડાની ભનક લાગતા જ ત્યાં હાજર 3 ગ્રાહકો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.













