ભાઇ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો તહેવાર રક્ષાબંધન હવે નજીક છે ત્યારે આ સંબંધને શર્મસાર કરતો ચોંકાવનારો બનાવ રાજકોટમાંથી બહાર આવ્યું છે. રાજકોટમાં એક બાળકીનું અપહરણ થયું હતું અને પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અપહરણમાં બાળકીની ફોઇ સામેલ હોવાનું પોલીસ તપાસમાં જણાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સગી ફોઇએ તેના પુરુષ વકિલ મિત્રની સાથે મળીને અપહરણનું તરકટ રચ્યું હતું. કારણ કે ફોઇને તેનો વારસાઇ હિસ્સો જોઇતો હતો


ફોઇ અને 6 વર્ષની ભત્રીજી ગુમ થયા હતા

પોલીસના કહેવા મુજબ ગત 24 તારીખે રાજકોટ શહેરમાં રીમા નામની ફોઈ અને 6 વર્ષની ભત્રીજી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે તપાસ કરતા ગુમ થયેલી રીમા નામની યુવતી અને તેની ભત્રીજી ઇન્દોરમાં હોવાની પોલીસને માહિતી મળી હતી જે માહિતીના આધારે રાજકોટ પોલીસ ઈન્દોર શહેરમાં પહોંચી હતી અને ફોઈ અને ભત્રીજી ને રાજકોટ લાવી હતી

બુકાનીધારીએ ચાકૂની અણીએ અપહરણ કર્યું હોવાની વાર્તા બનાવી

પોલીસે રીમા મખવાણીની પુછપરછ કરતા શરુઆતમાં તો પોલીસને તેણે અવળા પાટે ચડાવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસને કહ્યું કે તે રેસકોર્સ સર્કલ પાસે હતી ત્યારે કોઇ બુકાનીધારી શખ્સ આવ્યો હતો અને ચાકૂની અણીએ અપહરણ કર્યું હતું

પોલીસની લાલ આંખ થતાં રીમાએ કબુલાત કરી

જોકે આ યુવતીની વાત પોલીસની ગળે ન ઉતરતાં પોલીસે લાલ આંખ કરી હતી જેથી રીમા પોપટની જેમ પોલીસ સમક્ષ કબુલવા માંડી હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે વારસાઈ મિલકતમાં ભાઈ પાસે હિસ્સો લેવા માટે બહેને આ અપહરણનું કાવતરૂ રચ્યું હતું. ખોજા વેપારીએ મકાનની વારસાઈ નોંધ પડાવી બહેનનું નામ કમી કરી નાખતા છેલ્લા દોઢેક વર્ષથી મિલકતનો વિવાદ ચાલતો હતો અને આ મામલે પારિવારિક માથાકૂટ ચાલતી હતી.

વકીલ મિત્ર સાથે અપહરણનું નાટક કર્યું

આ યુવતી રેલનગરના વકીલ રાજવીર સિંહ ઝાલા સાથે સંપર્કમાં હતી. યુવતીએ વકીલ સાથે મળીને આ સમગ્ર ગુનાનું કાવતરું રચ્યું હતું. ત્યારબાદ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓ અપહ્યત બાળકીને લઈને અલગ અલગ જગ્યાએ ફર્યા હતા. પોલીસે સગીર બાળકીના અપહરણ તેમજ કાવતરું રચવાના ગુના ની કલમો લગાવી હતી. હાલ તો રીમા નામની મહિલા આરોપીની પોલીસે અટકાયત કરી છે જ્યારે આ ગુનામાં ફરાર રાજવીરસિંહ ઝાલાની શોધખોળ ચાલુ છે...

  • Follow us on: