સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી અને લૂંટફાટ જેવી ગુનાખોરી ડામવા માટે સુરેન્દ્રનગર પોલીસ વડાની સૂચનાથી એલસીબીની ટીમ સતર્ક છે. ત્યારે આણંદપુર પોલીસ સ્ટેશન હેઠળના ઢોકળવા ગામે આવેલા મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગંભીર ગુનાની તપાસમાં લાગેલી એલસીબીની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સફળતા મેળવી છે.
1.79 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરતા એક મહિલા અને એક પુરૂષ આરોપીને ઝડપી લીધા છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલા ચાંદીના દાગીના અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 1,79,800નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પવિત્ર ધર્મસ્થાનમાં ચોરી કરી આસ્થાને ઠેસ પહોંચાડનાર આ શખ્સો પોલીસના સકંજામાં આવતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.













