અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે વિવેકાનંદ પોલીસે હાથીજણ વિસ્તારમાં રહીશો પર હિચકારો હુમલો કરનાર છ શખ્સોની ધરપકડ કરી છે. ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતની અદાવત રાખીને આ લુખ્ખા તત્ત્વોએ સોસાયટીના રહીશો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
બનાવની વિગત અનુસાર, હાથીજણની ધર્મવાટિકા સોસાયટીમાં રહેતા રહીશો સાથે અગાઉ ગાડી પાર્ક કરવા બાબતે આ શખ્સોને માથાકૂટ થઈ હતી. આ માથાકૂટની અદાવત રાખીને આરોપીઓ કાળા કલરની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીમાં સોસાયટીમાં ધસી આવ્યા હતા. લુખ્ખા તત્ત્વોએ સોસાયટીના રહીશો પર લાકડીઓ અને અન્ય હથિયારો વડે હિચકારો હુમલો કર્યો હતો.
ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ
વિવેકાનંદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં દ્રશ્ય ગોસ્વામી, પ્રથમ ઉપાધ્યાય, કુંજ પટેલ, આયુષ શાહ, પિયુષ રાજપૂત અને દેવ ડાભીનો સમાવેશ થાય છે.
પોલીસની કડક કાર્યવાહી
વિવેકાનંદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નંબર પ્લેટ વગરની ગાડીઓમાં ફરીને આતંક મચાવતા તત્ત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. પોલીસે આ તમામ વિરૂદ્ધ રાયોટીંગ અને જીવલેણ હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કર્યા છે. આ કાર્યવાહી બાદ સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે હવે આ શખ્સોનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો - Ahmedabad News: પત્નીને સાસરે ન મોકલતા જમાઈએ કરી સસરાની હત્યા, DCPએ આપ્યું નિવેદન