અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકામાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. બાવળા તાલુકાના ઢેઢાળ વાસણા ગામે જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવક પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


જૂની અદાવતમાં લોહિયાળ હુમલો

ઘટનાની મળતી માહિતી અનુસાર, ઢેઢાળ વાસણા ગામમાં રહેતા ઇન્દ્રજીત મકવાણા નામના યુવક પર તે જ ગામના કાળુ ચૌહાણ નામના શખ્સે અચાનક હુમલો કર્યો હતો. બંને વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો ખાર રાખી કાળુ ચૌહાણે ઇન્દ્રજીતને રસ્તામાં આંતરીને ધારિયાના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું.

તને જીવતો નહીં રહેવા દઉં, કહી આપી ધમકી

હુમલા દરમિયાન આરોપી કાળુ ચૌહાણે ઇન્દ્રજીતને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું હતું કે, તને આજે જીવતો નહીં રહેવા દઉં. હુમલા બાદ ઘાયલ યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ બાવળા પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઇન્દ્રજીત મકવાણાની ફરિયાદના આધારે આરોપી કાળુ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગામમાં ફરી આવી કોઈ હિંસક ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: "કોંગ્રેસ હારના ડરથી બહાના શોધે છે", મતદાર યાદીના વિવાદમાં ભાજપ પ્રવક્તા અનિલ પટેલનું મોટું નિવેદન!


  • Follow us on: