અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આચારસંહિતા અમલી છે. આવામાં બુટલેગરોમાં પોલીસનો જરા પણ ડર રહ્યો હોય તેમ લાગતું નથી. અમદાવાદના શહેરના શહેરકોટડા વિસ્તારમાં ધોળે દિવસે દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
શારદાબેન હોસ્પિટલ પાસે જ ચાલતો હતો કારોબાર
લોકોની અવરજવરથી ધમધમતા શારદાબેન હોસ્પિટલ નજીક આવેલા એક ખંડેર મકાનને બુટલેગરોએ દારૂનો અડ્ડો બનાવી દીધો હતો. આ મકાનમાંથી વિદેશી દારૂની બોટલોનું વેચાણ થતું હોવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી હતી. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા પાસે જ નશાનો કારોબાર ફૂલ્યો-ફાલ્યો હોવાનું સામે આવતા રહીશોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં
દારૂ વેચાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ શહેરકોટડા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરીને 29 વર્ષીય એક બુટલેગર શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ સ્થળ પરથી વિદેશી દારૂની 52 બોટલ અને 4 બિયર ટીન મળી આવ્યા હતા, જે પોલીસે જપ્ત કર્યા છે.
પોલીસની કામગીરી પર સવાલ
ચૂંટણીના માહોલમાં જ્યારે ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા કડક હોવાના દાવા કરવામાં આવે છે, ત્યારે હોસ્પિટલની નજીક જ આ પ્રકારે અડ્ડો ચાલતો હોવાથી સ્થાનિક પોલીસની રહેમનજર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad: બાપુનગર વિસ્તારમાં SOGના દરોડા, 8 કિલો ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ