અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે માધુપુરા પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પ્રેમ દરવાજા બહાર આવેલી ગુજરાત જીનીંગ મીલના કમ્પાઉન્ડમાં ટ્રાન્સપોર્ટની આડમાં ચાલતા આ ગોરખધંધાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.


બેરલની આડમાં વિદેશી દારૂની 2340 બોટલો મળી

માધુપુરા પોલીસ સ્ટેશનની ટીમે પ્રેમ દરવાજા બહાર ગુજરાત જીનીંગ મીલમાં આવેલ લાલજી મુલજી ટ્રાન્સપોર્ટના ગોડાઉન નંબર 61 ની બહાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બ્લુ કલરના ચાર પતરાના બેરલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જ્યારે આ બેરલ ખોલીને જોયું તો તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ 2340 શીલબંધ બોટલો (60 પેટી) મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 9,59,760/- આંકવામાં આવી છે.

હરિયાણાથી દારૂ મોકલાયો હોવાનો ખુલાસો

પોલીસ તપાસમાં દારૂનો આ જથ્થો હરિયાણા તરફથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. બીલ્ટી અને GST વિગતો મુજબ, આ જથ્થો હરિયાણાના NEW KRISHNA PAINTS HARDWARE STORE દ્વારા પેઇન્ટના સામાનની આડમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે દારૂની બોટલો સાથે આધાર કાર્ડની નકલ અને બીલ્ટી પણ કબ્જે કરી છે.

બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ

આ મામલે પોલીસે બે મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જે હાલ પકડાયેલ નથી. જેમાં દારૂ મોકલનાર ન્યૂ કૃષ્ણા પેઇન્ટ્સ હાર્ડવેર સ્ટોર, હરિયાણા છે, અને દારૂ મંગાવનાર અશ્વિનભાઈ વેગડા (રહે. મન્સૂરીની ચાલી, જવાહર નગર રોડ, અમરાઈવાડી, અમદાવાદ)ને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. માધુપુરા પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દારૂ મંગાવનાર અમરાઈવાડીના અશ્વિન વેગડા અને હરિયાણાના મોકલનાર શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Ahmedabadના શીલજમાં ઇન્ડસ કોલેજ પાસે મિની બસમાં લાગી ભીષણ આગ


  • Follow us on: