અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા GST બ્રિજ પર ગત 30 જાન્યુઆરીની રાત્રે સર્જાયેલા કરુણ અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે મોટી સફળતા મેળવી છે. હિટ એન્ડ રન કરી ફરાર થઈ ગયેલા કારચાલક જય ઉર્ફે ટેક્સી શર્માની એલ-ટ્રાફિક પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું.


ઘટનાની વિગતો

30 જાન્યુઆરીની મોડી રાત્રે એક દંપતી પોતાના એક્ટિવા પર સવાર થઈને GST બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી GJ 01 WC 0961 નંબરની કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા ચાલક યુવક હવામાં ફંગોળાઈને બ્રિજની નીચે રોડ પર પટકાયો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક્ટિવામાં સવાર તેમની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસ કાર્યવાહી

અકસ્માત સર્જ્યા બાદ કારચાલક જય ઉર્ફે ટેક્સી શર્મા પોતાની કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ અને કારના નંબરના આધારે તપાસ તેજ કરી હતી. અંતે, એલ-ટ્રાફિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ.


આ પણ વાંચો - Ahmedabad News : જનતાના આક્રોશ અને 'સંદેશ'ના અહેવાલ સામે તંત્ર ઝૂક્યું, કતલખાનાની દરખાસ્ત ફગાવી દેવાઈ


  • Follow us on: