ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. છેલ્લા અઢી વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આંતરરાજ્ય 'ચામઠા ગેંગ'ના બે મુખ્ય આરોપીઓને એલસીબીની ટીમ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને રાજસ્થાનથી દબોચી લેવામાં આવ્યા છે.


ફિલ્મી ઢબે પીછો કરી આરોપીઓને ઝડપ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ આરોપીઓ સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં વોન્ટેડ હતા. ડાંગ LCBની ટીમે બાતમીના આધારે રાજસ્થાનમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપીઓને પકડવા માટે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરવો પડ્યો હતો, જે બાદ આખરે બંને વોન્ટેડ ગુનેગારો પોલીસના સકંજામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં તેમની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 28,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પાટણ અને ગાંધીનગરમાં પણ કરી હતી ચોરી

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ગેંગ માત્ર ડાંગ જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના પાટણ અને પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકી હોવાની કબૂલાત કરી છે. ગુજરાતના અલગ-અલગ ત્રણ પોલીસ સ્ટેશનના અંદાજે પાંચ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં આ આરોપીઓ સંડોવાયેલા છે.

હાલમાં, ડાંગ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાપુતારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ગેંગના પકડાવાથી અન્ય કેટલા ગુનાઓના ભેદ ઉકેલાય છે તે જોવાનું રહ્યું.


આ પણ વાંચો - Dang News: માનવભક્ષી દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગનું એલર્ટ


  • Follow us on: