ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિક નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોને માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.
વઘઈમાં અનોખી પહેલ, ફૂલ આપી કરાયું
સન્માન વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમ દ્વારા વાહન ચેકિંગની સાથે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિકારીઓએ વાહનચાલકોને હેલમેટ અને સીટબેલ્ટનું મહત્વ સમજાવ્યું હતું. આ દરમિયાન ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરનારા વાહનચાલકોને પોલીસે ફૂલ આપીને સન્માનિત કર્યા હતા, જે સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોલીસે સંદેશ આપ્યો હતો કે, દંડ એ ઉકેલ નથી, પરંતુ સ્વ-શિસ્ત જ અકસ્માતથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે.













