પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (સુરત રેન્જ), પોલીસ અધિક્ષક પૂજા યાદવ (ડાંગ-આહવા) તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલીયા તથા તેમની ટીમ દ્વારા આગામી 31મી ડિસેમ્બર અન્વયે પ્રોહિબિશન અને ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સાપુતારા પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારને અટકાવવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતાં તપાસ કરવામાં આવી, જેમાં ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો, રોકડ રકમ અને કિંમતી સામાન મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા, જ્યારે બે આરોપીઓ ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી તથા કારની તપાસ દરમિયાન કુલ રૂપિયા 5 લાખથી વધુની રોકડ રકમ, ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, ઘરફોડમાં ઉપયોગી લોખંડની કોશ, માસ્ક અને અન્ય સાધનો સહિત અંદાજે રૂપિયા 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.













