ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા રેંજ વિસ્તારમાંથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે.ગત 23મી તારીખે મહાલના જંગલ વિસ્તારમાં દિપડાના હુમલામાં રિતેક નામના બાળકનું કરુણ મોત થયું હતું.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેંજના RFO અને તેમની ટીમ દ્વારા કુલ છ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.વન વિભાગની સતત મહેનત રંગ લાવી છે.
બાળકના મોત બાદ વન વિભાગ એક્શનમાં
ગઈકાલે સવારે અંદાજે 4 વાગ્યે એક દિપડી પાંજરે પુરાઈ હતી. જ્યારે સાંજે 6:30થી 7 વાગ્યાના સમયગાળામાં બીજી દિપડી પણ પાંજરે પુરાતા એક જ દિવસમાં બે દિપડીઓને કાબૂમાં લેવામાં સફળતા મળી છે.એક જ દિવસમાં બે દિપડીઓ પાંજરે પુરાતાં મહાલ ગામના લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.તેમ છતાં, મહાલ અને બરડીપાડા વિસ્તાર ગાઢ જંગલ હોવાથી વન વિભાગ દ્વારા લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે જંગલ વિસ્તારમાં એકલા જવાનું ટાળવું અને નાના બાળકોને જંગલ તરફ જવા ન દેવા. વન વિભાગ હાલ પણ સતર્ક છે અને સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહ્યો છે.













