ડાંગ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષથી છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં નાસતા ફરતા 4 રીઢા આરોપીઓને પોલીસે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધા છે. પોલીસને ચકમો આપવા માટે આરોપીઓ સતત રાજ્યો બદલી રહ્યા હતા, પરંતુ આખરે ડાંગ પોલીસની જાળમાં ફસાઈ ગયા છે.


શું હતી સમગ્ર ઘટના?

આશરે બે વર્ષ પહેલાં ડાંગના આહવા પોલીસ સ્ટેશનમાં છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સો પોલીસની ધરપકડથી બચવા માટે રાજ્ય છોડીને નાસી ગયા હતા. આરોપીઓ છેલ્લા બે વર્ષથી રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં છુપાઈને રહેતા હતા અને પોતાની ઓળખ છુપાવી રહ્યા હતા.

વેશપલટો કરીને પોલીસ કાચા રસ્તે ચાલી

આરોપીઓ સુધી પહોંચવા માટે ડાંગ LCB એ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો સચોટ ઉપયોગ કર્યો હતો. આરોપીઓ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હોવાની ચોક્કસ બાતમી મળતા જ પોલીસની ટીમો સક્રિય થઈ હતી. આરોપીઓ સાવધ ન થઈ જાય તે માટે પોલીસે ફિલ્મી ઢબે વેશપલટો કર્યો હતો અને વાહનોને બદલે કાચા રસ્તાઓ પર પગપાળા ચાલીને આરોપીઓના ઠેકાણા સુધી પહોંચી હતી.

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ધરપકડ

LCB એ અત્યંત કુશળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને બે આરોપીઓને રાજસ્થાનમાંથી અને અન્ય બે આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધા છે. હાલમાં ચારેય આરોપીઓને ડાંગ લાવવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં ડાંગ LCBની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.


આ પણ વાંચો -Dang News: માનવભક્ષી દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગનું એલર્ટ


  • Follow us on: