સુરતમાં નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયા બાદ હવે અમરેલીમાંથી પણ નકલી તમાકુનું કારખાનું ઝડપાયું છે. જ્યાં બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે હલકી ગુણવત્તાનો માલ ભરીને બ્રાન્ડેડના નામે પધરાવી દેતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આવામાં રાજ્યમાં બનાવટીની બોલબાલા હોય તેમ જણાઈ રહ્યું છે.


અમરેલી શહેરના રહેણાંક વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી બીડી અને તમાકુ બનાવવાનું મોટું કૌભાંડ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા ઓપરેશનમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

જાણીતી કંપનીઓના નામે ચાલતો કાળો બજાર

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલીમાં ચાલતા આ કારખાનામાં 'બાગબાન', 'સુરેશ' બ્રાન્ડની બનાવટી તમાકુ અને 'ચારભાઈ સંભાજી' બ્રાન્ડની બનાવટી બીડીઓનું પેકિંગ કરવામાં આવતું હતું. બજારમાં આ બ્રાન્ડેડ વસ્તુઓની ભારે માગ હોવાથી, આરોપીઓ હલકી ગુણવત્તાનો માલ વાપરી જાણીતી બ્રાન્ડના રેપર લગાવી ગ્રાહકોને પધરાવતા હતા.

રૂપિયા 4.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન રો મટીરિયલ, પેકિંગ મશીનરી અને તૈયાર માલ સહિત કુલ રૂપિયા 4,36,315નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા આરોપી ઈરફાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ નકલી માલ કયા કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવતો હતો અને આમાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે નહીં.


આ પણ વાંચો - Amreli News: જિલ્લામાં 13 હજારથી વધુ દર્દીઓ માટે સંજીવની બન્યું આયુષ્યમાન કાર્ડ


  • Follow us on: