ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર વન્યજીવોના અકસ્માતની ઘટનાઓને રોકવા માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક ગત 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહનની અડફેટે એક દીપડાનું મોત નીપજ્યું હતું. આ હિટ એન્ડ રન કેસમાં જાફરાબાદ વન વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી અંતે જવાબદાર કાર ચાલકને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ઘટનાની વિગત
26 જાન્યુઆરીના રોજ નેશનલ હાઇવે પર વાહન અડફેટે દીપડાના મોત બાદ વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સના આધારે વન વિભાગે વડોદરા શહેરના જોય થેવાલીયમ નામના ઇસમને ઓળખી કાઢ્યો હતો અને તેને હાજર થવા માટે નોટિસ ફટકારી હતી.
કાર ડિટેઇન અને પૂછપરછ
વન વિભાગની કડક કાર્યવાહીના ડરથી આરોપી જોય થેવાલીયમ પોતે જ જાફરાબાદ વન વિભાગ સમક્ષ હાજર થયો હતો. વન વિભાગે અકસ્માતમાં સંડોવાયેલી કારને ડિટેઇન કરી છે અને ચાલકની સઘન પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ હાઇવે પર અગાઉ પણ વાહન અડફેટે 2 સિંહોના મોતના કેસ બન્યા હતા, જેમાં વન વિભાગે તપાસ કરી ગુનેગારોને શોધી કાઢ્યા હતા.
વન વિભાગની મોટી સિદ્ધિ
જાફરાબાદ રેન્જ દ્વારા ટૂંકા ગાળામાં વન્યજીવોના અકસ્માતના કુલ 3 કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. વન વિભાગની આ સક્રિયતાને કારણે હાઇવે પર બેફામ દોડતા વાહન ચાલકોમાં ફાળ પડી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, નેશનલ હાઇવે પર વન્યજીવોની અવરજવર વાળા વિસ્તારોમાં વાહનોની ગતિ મર્યાદિત રાખવી અનિવાર્ય છે, અન્યથા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - Amreli: બાબરામાં યુવકે પોતાના મકાનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર