ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST)ના અમરેલી ડેપોમાં ફરજ બજાવતા એક કંડક્ટર દ્વારા મહિલા મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉભા કરતી ઘટના સામે આવી છે. અમરેલી-નાસિક રૂટની સ્લીપર કોચ બસમાં બે મહિલા મુસાફરોની છેડતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપ હેઠળ કંડક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.


શું છે સમગ્ર મામલો?

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી-નાસિક રૂટની સ્લીપર બસમાં મુસાફરી કરી રહેલી બે મહિલાઓ સાથે કંડક્ટર સિપ્તેહુસેન નકવીએ છેડતી કરી હોવાની ઘટના બની હતી. આક્ષેપ છે કે, કંડક્ટરે માત્ર છેડતી જ નહીં, પરંતુ મહિલાઓને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ભયાનક અનુભવ બાદ જાગૃત મહિલાઓએ હિંમત દાખવી સમગ્ર મામલે અમરેલી ડેપો મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી.

એસટી નિગમની લાલ આંખ

મહિલાઓની લેખિત ફરિયાદ મળતા જ અમરેલી એસટી વિભાગ હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કંડક્ટર સિપ્તેહુસેન નકવી પ્રથમ દ્રષ્ટિએ દોષિત જણાતા વિભાગીય નિયામક દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. મહિલા મુસાફરોની ગરિમા અને સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર કિસ્સામાં એસટી નિગમે દાખલારૂપ કાર્યવાહી કરી છે.

મુસાફરોમાં ફફડાટ અને ચર્ચા

લાંબા અંતરની સ્લીપર બસોમાં મહિલાઓ સુરક્ષિત રહે તે નિગમની પ્રાથમિકતા હોય છે, પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે મુસાફરોમાં ભયનો માહોલ પેદા થાય છે. આ ઘટનાને પગલે એસટી તંત્ર દ્વારા અન્ય કર્મચારીઓને પણ કડક સૂચના આપવામાં આવી છે કે, મહિલાઓની છેડતી કે ગેરવર્તણૂક જેવી બાબતોમાં જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં.


આ પણ વાંચો - Amreliના સાવરકુંડલાની સાધના સોસાયટી પાસે શોર્ટ સર્કિટના કારણે બાઈકમાં લાગી ભીષણ આગ


  • Follow us on: