અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ચાલુ બાઈકમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. શહેરની સાધના સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકનું વાહન શોર્ટ સર્કિટના કારણે જોતજોતામાં ભડભડ સળગી ઉઠ્યું હતું. સદનસીબે, આગ લાગતાની સાથે જ ચાલક નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આગની આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ
બાઈકમાં અચાનક સ્પાર્કિંગ થયા બાદ પેટ્રોલની પાઇપમાં આગ લાગી હતી. પેટ્રોલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખું બાઈક આગની લપેટમાં આવી ગયું હતું. ઘટનાને પગલે આસપાસના રહીશો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ ડોલ અને પાઇપ વડે પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ઝડપી હતી કે હીરો હોન્ડા (Hero Honda) કંપનીનું આ બાઈક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું છે.













