ભાવનગર તાલુકાના સોડવદરા ગામમાં લોકોના જીવ જોખમમાં મૂકીને મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટરને વરતેજ પોલીસે ઝડપી લીધો છે. પવિત્ર રામજી મંદિર પાસે ક્લિનિક ખોલીને બેઠેલા આ બોગસ ડોક્ટર પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથિક સારવાર આપતો હોવાનું બહાર આવ્યું છે.


બાતમીના આધારે પોલીસની કાર્યવાહી

વરતેજ પોલીસને સચોટ બાતમી મળી હતી કે, સોડવદરા ગામમાં મેહુલભાઈ પરમાર નામનો વ્યક્તિ કોઈ પણ શૈક્ષણિક લાયકાત કે ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડતા ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે આરોપી મેહુલ પરમારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રૂપિયા 55 હજારથી વધુનો મુદ્દામાલ કબજે

પોલીસ તપાસમાં ક્લિનિકમાંથી અલગ-અલગ કંપનીની એલોપેથિક દવાઓ અને મેડિકલના સાધનો મળી કુલ રૂપિયા 55,768 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બોગસ ડોક્ટર વિરૂદ્ધ 'ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ' મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં આવા બોગસ ડોક્ટર સામેની આ કાર્યવાહીથી લોકોમાં જાગૃતિ આવશે અને આરોગ્ય સાથે થતા ચેડાં અટકશે તેવી આશા છે.


આ પણ વાંચો - Bhavnagar: ધૂળેટીના દિવસે હાદાનગરમાં મારામારી કરનાર 6 આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન


  • Follow us on: