ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-અમદાવાદ હાઈવે પર ગત રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાઠીથી અમદાવાદ જઈ રહેલી એક જાનના જાનૈયા દ્વારા પાંજરાપોળ પાસે આવેલી નાસ્તાની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જાનૈયાઓ દ્વારા આતંક મચાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, લાઠીથી અમદાવાદ તરફ જઈ રહેલી જાનના જાનૈયાઓ વલ્લભીપુર અમદાવાદ રોડ પર આવેલી 'ખોડિયાર નાસ્તા હાઉસ' પાસે રોકાયા હતા. કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો એટલો બિચક્યો હતો કે ઉશ્કેરાયેલા જાનૈયાઓના ટોળાએ નાસ્તાની દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આટલેથી ન અટકતા, આક્રમક બનેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી રોડને બાનમાં લીધો હતો.













