ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં આજે ખુશી અને ગમગીનીનો વિચિત્ર સંગમ જોવા મળ્યો હતો. એક તરફ પક્ષ દ્વારા નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી રહી હતી, ત્યારે બીજી જ તરફ નવનિયુક્ત હોદ્દેદારના મોતના સમાચાર આવતા સમગ્ર રાજકીય આલમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે સાંજે સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોના નામો જાહેર કરાયા હતા.
નિમણૂકની ખુશી વચ્ચે ગમગીની છવાઈ ગઈ
આ યાદીમાં ભાવેશભાઈ રબારીની વરણી બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. જોકે, આ ખુશીના સમાચાર તેમના પરિવાર અને ટેકેદારો સુધી પહોંચે તે પહેલા જ કુદરતે ક્રૂર મજાક કરી હતી. ભાવેશભાઈ રબારીનું નામ પ્રમુખ પદ માટે જાહેર થયાના ગણતરીના સમયમાં જ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.













