ભાવનગર શહેર નજીક આવેલા સિદસર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. સિદસરના ૨૫ વારીયા વિસ્તારમાં રહેતા બાવભાઈ વલ્લભભાઈ પરમાર રાત્રિના સમયે ઘરેથી નીકળી નજીકની હોટલ પાસે ગયા હતા અને ત્યારબાદ સર્વોત્તમ ડેરી પાસે હાઈવે પર પાર્કિંગની જગ્યામાં સૂઈ ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા લક્ઝરી બસના ચાલકે અંધારામાં સૂતેલા આધેડને જોયા વગર પોતાની બસ બેફિકરાઈથી ચલાવી તેમના પર ફેરવી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાવભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


વરતેજ પોલીસની કાર્યવાહી

આ બનાવની જાણ થતા જ વરતેજ પોલીસ કાફલો અને મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા. વહેલી સવારે જ્યારે અકસ્માતની વિગતો સામે આવી ત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના પુત્ર અનિલભાઈની ફરિયાદના આધારે વરતેજ પોલીસે અજાણ્યા લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ BNS એક્ટની વિવિધ કલમો અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને ફરાર બસ ચાલકને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Bhavnagar News : અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું ભવ્ય આયોજન

  • Follow us on: