હાલના સમયમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ ડિજિટલ છેતરપિંડીનો ભોગ બની રહ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા ડિવિઝનના ઈન્ચાર્જ DYSP મનીષ નકુમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.


હેકર્સે બનાવ્યું નિશાન

તળાજા અને મહુવાના ઈન્ચાર્જ DYSP મનીષ નકુમનું સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેકર્સના કબજામાં ગયું છે. સાયબર ઠગ દ્વારા પોલીસ અધિકારીના એકાઉન્ટનો દુરૂપયોગ કરી ખોટી માંગણીઓ અથવા નાણાકીય વ્યવહાર કરવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની જાણ થતા જ સાયબર ક્રાઈમ એક્સપર્ટ્સ સક્રિય થયા છે.

DYSP દ્વારા વોટ્સએપ પર જાહેર અપીલ

પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાનું ધ્યાને આવતા જ DYSP મનીષ નકુમે તુરંત સતર્કતા દાખવી હતી. તેમણે વિવિધ વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા સંદેશો વહેતો કર્યો છે કે, મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે, તેથી કોઈએ પણ મારા નામથી થતા કોઈપણ મેસેજ પર ભરોસો કરવો નહીં કે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે, સાયબર ઠગ કોઈ સામાન્ય નાગરિક હોય કે ઉચ્ચ અધિકારી, સૌને શિકાર બનાવવા તાકમાં હોય છે. હાલ પોલીસ દ્વારા આ મામલે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Bhavnagar : બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 800 પેટી વિદેશી દારૂ ઝડપાયો, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ



  • Follow us on: