બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે પાઉંભાજીના દુકાનદાર પર હુમલો કરનારા શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. સોશિયલ મીડિયા પર હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ એક્શનમાં આવેલી ગઢડા પોલીસે આજે મુખ્ય બે આરોપીઓનું ઘટના સ્થળે લાવી રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગ્રામજનોની હાજરીમાં આરોપીઓ પાસે માફી મંગાવી હતી.


પોલીસે રી-કન્સ્ટ્રક્શન કર્યું

ભૈરવનાથ પાઉભાજીના દુકાનદાર રાજુભાઈ જાટ પર ગાડી પાર્કિંગ બાબતે થયેલા હુમલાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી હિંમતભાઈ નાગજીભાઈ અને તેના પુત્ર લાલાભાઈ ઉર્ફે લાલોની ધરપકડ કરી છે. આજે પોલીસ કાફલો બંને આરોપીઓને ઉગામેડી ગામે બનાવ સ્થળે લઈ ગયો હતો. ત્યાં પોલીસે ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો તેનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. માથાભારે પિતા-પુત્રની શાન ઠેકાણે લાવવા પોલીસે જાહેરમાં તેમની પાસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

ટોળાં એકઠા થયા, લોકચર્ચા જાગી

જ્યારે પોલીસ આરોપીઓને લઈને ઉગામેડી ગામની બજારમાં નીકળી, ત્યારે આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બે દિવસ પહેલા જ આ શખ્સોએ દુકાનદારને માર મારી દાદાગીરી કરી હતી, જેનો સીસીટીવી વીડિયો સામે આવતા લોકોમાં રોષ હતો. આજે પોલીસની આ સરાહનીય કાર્યવાહી જોઈ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ઉગામેડીમાં આવેલી 'ભૈરવનાથ પાઉભાજી'ની દુકાન પાસે ગાડી પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે આરોપી હિંમતભાઈ, તેનો પુત્ર લાલો અને હિંમતભાઈની પત્નીએ મળીને દુકાનદાર રાજુભાઈ જાટ પર હુમલો કર્યો હતો. રાજુભાઈએ ગઢડા પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે અને ત્રીજા આરોપીની શોધખોળ સાથે આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Botad News: ગઢડાના ઉગામેડીમાં પાઉભાજીના દુકાનદાર પર હુમલો, CCTV ફૂટેજ વાયરલ


  • Follow us on: