ગુજરાતમાં પશુ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહેલા કુખ્યાત આરોપીને ઝડપી લેવામાં સાબરકાંઠા પોલીસની 'નાસતા-ફરતા' ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પશુ ચોરીનો આતંક મચાવનાર નસીર ઉર્ફે નાતાલ યુનુસખાન પઠાણને પોલીસ દ્વારા ફિલ્મી ઢબે રણાસર ચોકડી પાસેથી દબોચી લેવામાં આવ્યો છે.


10 ગુનાઓમાં હતો વોન્ટેડ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપી નસીર ઉર્ફે નાતાલ પઠાણ અત્યંત રીઢો ગુનેગાર છે. તેના વિરૂદ્ધ ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પશુ ચોરીના કુલ 10 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા એક વર્ષથી તે ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો હતો. સાબરકાંઠા જિલ્લાની નાસતા-ફરતા ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તેની ચોક્કસ લોકેશન મેળવી હતી.

રણાસર ચોકડી પાસે ગોઠવ્યું ટ્રેપ

આરોપી રણાસર ચોકડી પાસેથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી. જેવો નાતાલ ત્યાં પહોંચ્યો કે તરત જ સતર્ક પોલીસ ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. આ આરોપી પશુઓની ચોરી કરીને તેને અન્ય જિલ્લાઓમાં વેચવાની આખી નેટવર્ક ચલાવતો હોવાની આશંકા છે. આ કુખ્યાત આરોપીના પકડાવવાથી પશુ પાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સાબરકાંઠા પોલીસે આરોપીનો કબ્જો મેળવી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય કેટલાક ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે.


આ પણ વાંચો - Himatnagar: સાબરકાંઠાના યુવાનોનું દિલ્હીમાં સન્માન, કેબિનેટ મંત્રીઓ સાથે વિકસિત ભારત અંગે ચર્ચા કરાઈ


  • Follow us on: