જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. જામનગર તાલુકાના સેવકભરૂડીયા ગામની સીમમાં ધમધમતા જુગાર ધામ પર પોલીસ દ્વારા મધરાત્રે ત્રાટકીને ઘોડીપાસાનો જુગાર રમતા 24 ઇસમોને ઝડપી લઈને લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
15.78 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સેવકભરૂડીયા ગામની સીમમાં રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગારીઓ પાસેથી કુલ 1578000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 2 ઇકો ગાડી જેની કિંમત રૂપિયા 8,00,000 છે, 10 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1,66,000 અને 612000 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.
ઘોડીપાસાના જુગાર પર પોલીસની ત્રાટક
સીમ વિસ્તારમાં એકાંતનો લાભ લઈને આ શખ્સો મોટા પાયે ઘોડીપાસાનો જુગાર રમી રહ્યા હતા. પોલીસની અચાનક એન્ટ્રીથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ એલસીબીએ કોર્ડન કરીને તમામ 24 શખ્સોને રંગેહાથ દબોચી લીધા હતા. પકડાયેલા શખ્સો જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જામનગર એલસીબી દ્વારા તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જુગાર ધામ કોણ ચલાવતું હતું અને કેટલા સમયથી ચાલતું હતું તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી જિલ્લાના જુગારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Jamnagar News: ચાઇનીઝ દોરી વેચનારાઓ સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક