મકરસંક્રાંતિના તહેવાર પૂર્વે જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. માનવ જિંદગી અને પક્ષીઓ માટે જોખમી એવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર કલેક્ટર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જામનગર પોલીસે વિવિધ વિસ્તારોમાં રેડ કરીને જાહેરનામાનો ભંગ કરનારા શખ્સો સામે 5 ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ

જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું ક્રમાંક DM/DCH/પતંગ 2/26 અન્વયે BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) ની કલમ 163 હેઠળ ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાના અમલીકરણ માટે જામનગર પોલીસની વિવિધ ટીમો સતત વોચ રાખી રહી હતી.

મળેલી બાતમીના આધારે કાર્યવાહી

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે છૂપી રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઝડપાયા હતા. પોલીસે આ ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગના અલગ-અલગ 5 ગુના નોંધી તેમની ધરપકડ કરી છે, અને પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની વેપારીઓને કડક ચેતવણી

જામનગર પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નફાખોરી માટે લોકોના જીવ જોખમમાં મૂકતા વેપારીઓને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ રોકવા માટે આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે, તેઓ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને જો ક્યાંય પણ તેનું વેચાણ થતું જણાય તો તુરંત પોલીસને જાણ કરે.


આ પણ વાંચો - Jamnagar News: ટુ-વ્હીલર ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી પોલીસે કરી સુરક્ષિત મુસાફરીની અપીલ



  • Follow us on: