રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે. જેતપુર-રબારીકા રોડ પર આવેલ એમ. જે. ઉદ્યોગનગર પાસેની એક અવાવરું જગ્યામાંથી એક અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યો છે કે, જેનાથી હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે.


ચાદરમાં લપેટાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપુર-રબારીકા રોડ પરથી પસાર થતા લોકોને અવાવરું જગ્યામાં કંઈક શંકાસ્પદ હોવાનું જણાતા તપાસ કરવામાં આવી હતી. જ્યાં એક ચાદરમાં બાંધેલી હાલતમાં એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકારે ફેંકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પ્રાથમિક પંચનામું કર્યું હતું. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં અને ગુમ થયેલી વ્યક્તિઓની યાદી તપાસવામાં આવી રહી છે.

હત્યા કે અકસ્માત?

મૃતદેહ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. શું આ કોઈ હત્યા છે કે પછી પુરાવા નાશ કરવા માટે અહીં મૃતદેહ ફેંકવામાં આવ્યો છે? તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તમામ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Rajkot પોલીસ બેડામાં ખળભળાટ, 60 કિલો ચાંદીના કેસમાં CP અને DCP સહિત 6 સામે કોર્ટમાં ફરિયાદ


  • Follow us on: