શહેરના સરવાણ ફળિયા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા એક યુવાને પોતાના મિત્રને ગીરવે મૂકવા માટે આપેલું સોનું પરત ન મળતા થયેલી તકરારમાં, બે શખ્સોએ યુવાન પર જાહેરમાં હુમલો કરી, બાદમાં તેના ઘરે જઈ પત્નીને માર માર્યાની ઘટના સામે આવી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આરોપીઓએ રોકીને પતિ-પત્નીને અપશબ્દો પણ કહ્યાં

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી મોહસીનમિયા સલીમમિયા સૈયદ (ઉ.વ. ૪૦) એ આશરે અઢી મહિના પહેલા પૈસાની જરૂર હોવાથી પોતાનું ૬.૫ તોલા વારસાઈ સોનું (બે પાટલા અને લકી) મિત્ર નિઝામ હિંગોરાને ગીરવે મૂકવા આપ્યું હતું. જોકે, નિઝામે આ સોનું એજાજ સેતાને આપી દીધું હોવાનું જણાવ્યું હતું અને સોનું કે પૈસા પરત મળ્યા ન હતા. ગઈકાલે સાંજે મોહસીનમિયા અને તેમના મિત્ર ગીરીરાજ રોડ પર અમૃત પેલેસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી હનીફ ઉર્ફે હનુ જુણેજાએ તેમને રોકી, ગાળો આપી છરી વડે હુમલો કર્યો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

જેમાં બચાવ કરવા જતા મોહસીનમિયાને જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. હનીફે જતા-જતા હવે તારા ઘરે જઈને હું શું કરું તે જોઈ લેજે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ, હનીફ ઉર્ફે હનુ અને એજાજ ઉર્ફે એજુ બંને હથિયારો લઈને મોહસીનમિયાના ઘરે ધસી ગયા જ્યાં તેમણે મોહસીનમિયાના અફસાનાબેનને ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હોસ્પિટલના બિછાનેથી અફ્સાનાબેને જણાવ્યું હતું કે, આરોપીઓએ ઘરમાં ઘૂસી તારા ઘરવાળાને મારી નાખવો છે તેમ કહી ધમકી આપી હતી.

આરોપીઓએ ગળામાંથી ચેન ખેંચી લીધી

આરોપીઓએ ઘરના ફળિયામાં પડેલા ટુ-વ્હીલર અને ઘરવખરીમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. હાલ ઈજાગ્રસ્ત દંપતી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે હનીફ ઉર્ફે હનુ જુણેજાઅને એજાજ ઉર્ફે એજુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ કરતા શહેરીજનો, ઉત્તરના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે


  • Follow us on: