ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરખેજ ગામમાં થોડા દિવસો પૂર્વે એક વિધવા મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી જવાબદાર હતી. આરોપી શૈલેષે એક અન્ય વ્યક્તિને આ વિધવા મહિલા પાસેથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા. જોકે, આ રકમ પરત ન મળતા મહિલા વારંવાર શૈલેષ પાસે ઉઘરાણી કરતી હતી. આ ઉઘરાણીથી કંટાળીને અને મામલો વકરતા શૈલેષે મહિલાની હત્યા કરી નાખી હતી અને ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.


ખેડા પોલીસને મોટી સફળતા

હત્યા બાદ આરોપીની શોધખોળ કરી રહેલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી શૈલેષનું લોકેશન માઉન્ટ આબુમાં ટ્રેસ કર્યું હતું. પોલીસે તુરંત કાર્યવાહી કરી આબુથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન એ તપાસ કરશે કે આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને તેણે હત્યામાં વપરાયેલ હથિયાર ક્યાં છુપાવ્યું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો : Nasvadi માં વિકાસની પોકળ વાતો, રસ્તો ન હોવાથી સગર્ભાને સ્ટ્રેચરમાં ઊંચકીને દવાખાને લઈ જવાઈ

  • Follow us on: