શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામેથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક નરાધમ શિક્ષકે પોતાની જ વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી માનવતા અને પવિત્ર વ્યવસાયને શર્મસાર કર્યો છે. આરોપી શિક્ષકે સગીરાની શાળા બદલાઈ હોવા છતાં તેનો પીછો કરી હેવાનીયત આચરી હતી.


ધોરણ 8 થી જ કરતો હતો હેરાન

ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામનો શિક્ષક શૈલેષ રાઠવા ભોગ બનનારી વિદ્યાર્થિની જ્યારે ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી, ત્યારથી જ તેને માનસિક રીતે હેરાન-પરેશાન કરતો હતો. શિક્ષકની આ પજવણીથી કંટાળીને અને તેનાથી બચવા માટે વિદ્યાર્થિનીએ ધોરણ 9 માં અભ્યાસ કરવા માટે સાવલી જવાનો નિર્ણય કર્યો હતો.

શાળા બદલી છતાં હેવાને પીછો ન છોડ્યો

સગીરા સાવલી ભણવા ગઈ હોવા છતાં નરાધમ શૈલેષ રાઠવાનો પીછો ચાલુ રહ્યો હતો. તેણે સાવલી પહોંચીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. અંતે હિંમત ભેગી કરી સગીરાએ આ સમગ્ર હકીકત પોતાના પરિવારને જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ડાકોર પોલીસ મથકે પોક્સો હેઠળ ગુનો દાખલ

આ ઘટના અંગે ડાકોર પોલીસ દ્વારા નરાધમ શિક્ષક શૈલેષ રાઠવા વિરૂદ્ધ આઈપીસીની વિવિધ કલમો અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે લંપટ શિક્ષકને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. શિક્ષણના ધામમાં દીકરીઓ જ્યારે અસુરક્ષિત બની રહી છે, ત્યારે આ કિસ્સાએ વાલીઓમાં પણ ચિંતા અને રોષ જગાડ્યો છે. આ ઘટનાને કારણે શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે હવે શાળામાં પણ બાળકીઓની સુરક્ષા અંગે સવાલ ઉઠ્યા છે.


આ પણ વાંચો - Kheda News: સેવાલિયામાં ચાલતું કતલખાનું ઝડપાયું, 800 કિલો ગૌમાંસ જપ્ત


  • Follow us on: