કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ચંદીયા ગામે રુંવાડા ઉભા કરી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. એક પ્રેમીએ પોતાની જ 18 વર્ષીય પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી પુરાવા નાશ કરવા માટે મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો. આ મામલે ભુજ ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પોલીસે હત્યારા પ્રેમી અને તેના મિત્ર વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ગળેટૂંપો આપી જીવનલીલા સંકેલી લીધી
ઘટનાની મળતી વિગત અનુસાર, ચંદીયા ગામની 18 વર્ષીય યુવતી રાધા સથવારાને તેના જ પ્રેમી રાજેશ સાથે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો. આ તકરારમાં પ્રેમી રાજેશે પોતાના મિત્ર રાહુલની મદદથી રાધાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ પકડાઈ જવાની બીકે બંને આરોપીઓએ રાધાના મૃતદેહને ગામ નજીક આવેલા એક ઊંડા કૂવામાં ફેંકી દીધો હતો.













