કચ્છ જિલ્લામાં આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે જિલ્લાના કુલ 44,379 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેના માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે ચુસ્ત સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે.


પરીક્ષાનું માળખું અને વ્યવસ્થા

કચ્છ જિલ્લામાં કુલ 56 પરીક્ષા કેન્દ્રોની 172 બિલ્ડિંગોના 1,538 બ્લોકમાં પરીક્ષા યોજાશે.

  • ધોરણ 10: 38 કેન્દ્રો પર 27,347 વિદ્યાર્થીઓ.
  • ધોરણ 12 (સામાન્ય પ્રવાહ): 14 કેન્દ્રો પર 15,465 વિદ્યાર્થીઓ.
  • ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): 4 કેન્દ્રો પર 1,567 વિદ્યાર્થીઓ.

આ આખી પ્રક્રિયા માટે 3,500 કર્મચારીઓ તૈનાત રહેશે, જેમને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.

ડિજિટલ મોનિટરિંગ અને સુરક્ષા

ઇતિહાસમાં પ્રથમવાર, તમામ 1,538 બ્લોકમાં સીસીટીવી કેમેરા દ્વારા ઓનલાઇન નિરીક્ષણ કરવામાં આવશે. ગાંધીનગર અને જિલ્લા કચેરી ખાતેથી વાઇફાઇના માધ્યમથી ગમે ત્યારે લાઈવ ચેકિંગ થઈ શકશે. જિલ્લામાં 14 બિલ્ડિંગોને અતિ સંવેદનશીલ જાહેર કરાઈ છે, જ્યાં પેરા મિલિટરી ફોર્સ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. ગેરરીતિ રોકવા માટે 6 સ્પેશિયલ સ્ક્વોડની ટીમો સતત પેટ્રોલિંગ કરશે.

વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધાઓ

  • બારકોડવાળી રિસિપ્ટ: વિદ્યાર્થીઓ સીધા પરીક્ષા કેન્દ્ર લોકેશન પર પહોંચી શકે તે માટે રિસિપ્ટમાં બારકોડ અપાયા છે.
  • સ્ટેન્ડ બાય વાહન: જો કોઈ વિદ્યાર્થીને કેન્દ્ર પર પહોંચવામાં મોડું થાય, તો શિક્ષણ કે પોલીસ વિભાગને ફોન કરવાથી સરકારી વાહન તેને કેન્દ્ર સુધી પહોંચાડશે.
  • તણાવ મુક્તિ: 60 શાળાઓમાં કાઉન્સેલિંગ કેમ્પ અને યુટ્યુબ ચેનલ દ્વારા માર્ગદર્શનની વ્યવસ્થા કરાઈ છે.
  • આરોગ્ય અને વીજળી: દરેક કેન્દ્ર પર હેલ્થ ટીમ અને 108 ની સુવિધા રહેશે, તેમજ પરીક્ષા દરમિયાન વીજ કાપ ન આવે તે માટે PGVCL સાથે સંકલન સાધવામાં આવ્યું છે.


આ પણ વાંચો - ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી રેડ, 4 કરોડનો દારૂ ઝડપાયો


  • Follow us on: