પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે ડ્રગ્સના ગુનામાં સામેલ ગુનેગારો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. અંજારના વરસાણા ગામ ખાતેથી માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે પકડાયેલા આરોપી પ્રકાશકુમાર બિશ્નોઈની કબજા ભોગવટાની હોટેલ (ઢાબા) પર પોલીસે PGVCLની ટીમને સાથે રાખી રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન હોટેલમાં ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાનું ખુલતા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.


એનડીપીએસના આરોપી પર પોલીસની લાલઆંખ

મળતી માહિતી મુજબ, અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPSના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી પ્રકાશકુમાર હરીંગારામ બિશ્નોઈ (રહે. પતરાવાળા ધાબામાં, વરસાણા) ની વરસાણા હાઈવે પર હોટેલ આવેલી છે. આ હોટેલમાં ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ થતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે અંજાર પોલીસ સ્ટાફ અને પી.જી.વી.સી.એલ.ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી.

વીજચોરી બદલ શિક્ષાત્મક કાર્યવાહી

તપાસ દરમિયાન આરોપીની હોટેલમાં વીજ મીટર વગર સીધું જ ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યું હોવાનું સાબિત થયું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું અને ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિક સાધનોની યાદી બનાવી હતી. આ વીજચોરી બદલ આરોપીને રૂપિયા 10,000નો દંડ ફટકારી કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

અંજાર પોલીસની આ કાર્યવાહીથી માદક પદાર્થોના વેપાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ બાજ નજર રાખવામાં આવશે.


આ પણ વાંચો - Kutchના મુન્દ્રામાં નશામાં ધુત પોલીસકર્મીએ દારૂ ભરેલી કારથી સર્જ્યો અકસ્માત અને જાહેરમાં કરી મારામારી


  • Follow us on: