મોરબી જિલ્લામાં ચકચાર મચાવનાર હનીટ્રેપ કેસમાં મોરબી એ-ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનારી ગેંગની મુખ્ય આરોપી મહિલા પિન્કી ઉર્ફે ખુશી વસાવાની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટે આ મહિલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
ખેતરમાં વીડિયો બનાવી શરૂ કર્યો બ્લેકમેલિંગનો ખેલ
આ ઘટનાની વિગત એવી છે કે, પિન્કી અને તેની ગેંગે એક ખેડૂતને નિશાન બનાવ્યો હતો. ખેતરમાં મહિલાએ ખેડૂતને બાથ ભરી હતી અને તે દરમિયાન ગેંગના અન્ય સભ્યોએ આ આખી ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને ખેડૂત પાસેથી તોડ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
53.50 લાખની મત્તા પડાવી
આ ઘટનાથી ગભરાયેલા ખેડૂત પાસેથી આ ગેંગે કટકે-કટકે કુલ 53.50 લાખ રૂપિયાની મત્તા પડાવી લીધી હતી. જેમાં રોકડ રકમ ઉપરાંત 4 સોનાના બિસ્કિટનો પણ સમાવેશ થાય છે. ખેડૂતે આખરે હિંમત કરી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
અત્યાર સુધીમાં 8 આરોપીઓ જેલના સળિયા પાછળ
મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, આ એક આખી વ્યવસ્થિત ચાલતી ગેંગ છે. અગાઉ આ ગુનામાં પોલીસ 7 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, જ્યારે પિન્કી ઉર્ફે ખુશી વસાવા નાસતી ફરતી હતી. હવે તેની ધરપકડ થતા પોલીસે રિમાન્ડ દરમિયાન તપાસ તેજ કરી છે. હાલ પોલીસ આ ગેંગે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, તે અંગે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો - Morbi News: પ્રેમિકા પરત ન આવતા યુવકે જીવન ટૂંકાવ્યું, વીડિયો કોલમાં કરી લાઈવ આત્મહત્યા